ત્રણ જાન્યુઆરી રાજ્યમાં 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓને વેક્સિન આપવાની શરૂઆત થઇ રહી છે. ચાલો જાણીએ આ વિશે રાજ્ય સરકારની શું છે તૈયારીઓ.
આગામી ત્રણ જાન્યુઆરી એટલે કે આવતીકાલથી રાજ્યમાં 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓને વેક્સિન આપવાની શરૂઆત થઇ રહી છે. ત્યારે વેક્સિન આપવા માટે તૈયારીઓ કેવી છે? આરોગ્ય વિભાગ (Health Department), કોર્પોરેશન, શાળાઓ અને વાલીઓ પણ તેના માટે કેટલા તૈયાર છે? એ જાણવાની કોશિષ કરીએ.
અમદાવાદ શહેરમાં બાળકોને વેક્સિનેશન
તરૂણોને રસી આપવા માટે કોર્પોરેશને પૂરી તૈયારી કરી લીધી છે. આ માટે AMC ની 400 ટીમો 7 દિવસમાં 700 શાળામાં જઈને વેક્સિનની કામગીરી કરશે. દરરોજ 80 શાળામાં વિદ્યાર્થીઓને વેક્સિન અપાશે અને આ રીતે અમદાવાદમાં કુલ 2 લાખ 50 હજાર વિદ્યાર્થીઓને વેક્સિન આપવાનું આયોજન કરાયું છે. આ માટે AMCએ શાળાના પ્રિન્સિપાલ સાથે બેઠક કરી વેક્સિનેશન અંગે માર્ગદર્શન આપ્યું છે. વિદ્યાર્થીઓએ વેક્સિન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી નથી. માત્ર શાળામાં જ ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરી વેક્સિન અપાશે.
રાજકોટમાં મોટો નિર્ણય
આ તરફ શાળાઓમાં કોરોનાના કેસ વધતાં રાજકોટમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં વાલીઓએ રસી લીધી હશે તેમના જ બાળકોને ઓફલાઇન શિક્ષણને મંજૂરી આપવામાં આવશે. જે વાલીઓએ રસી લીધી નહીં હોય તેમના બાળકોનું ઓફલાઇન શિક્ષણ બંધ કરવામાં આવશે.
રાજ્ય સરકારનું શું છે કહેવું?
સરકાર તરફથી શું તૈયારી છે એની પણ વાત કરીએ તો. રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલના કહેવા મુજબ જે કિશોર પાસે કોઇપણ ઓળખપત્ર ન હોય, તેમને મોબાઇલ નંબરથી નોંધણી કરીને રસી આપવામાં આવશે. કિશોર તેમના માતા-પિતાના મોબાઇલ નંબરના આધારે પણ રસી માટે નોંધણી કરાવી શકે છે. મનોજ અગ્રવાલના જણાવ્યા મુજબ, રાજ્યમાં 35થી 36 લાખ કિશોરોને રસી આપવામાં આવશે. અને આ માટે શાળાઓમાં અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવશે. 7 જાન્યુઆરીએ કિશોરોના રસીકરણ માટે મેગા ડ્રાઇવનું આયોજન કરાશે.
આમ તરૂણોને વેક્સિન આપવાની તૈયારીઓ ઝડપભેર ચાલી રહી છે. હવે વાલીઓએ આગળ આવીને તેમના બાળકોને રસી મુકાવવા પહેલ કરવી પડશે જેથી કરીને આવનારા કોરોનાના સંક્રમણ સામે લડત આપી શકાય.
0 Comments:
Post a Comment