Featured Post

Humana Medicaid Benefits: Navigating Healthcare with Confidence

  Introduction In the complex landscape of healthcare, understanding and accessing the right benefits can be a daunting task. Humana Medicai...

Subscribe Us

Friday 31 December 2021

બીજી લહેરના ભયાનક દ્રશ્યોથી લઈને રસીકરણ મુદ્દે રાજકોટની આ ઘટનાઓએ ખેચ્યું સમગ્ર ગુજરાતનું ધ્યાન

 


સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં પણ બીજી લહેરમાં કેટલીક એવી ઘટનાઓ બની જેણે સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચ્યું હતું.


દેશ કોરોના મહામારીના કહેરમાંથી (Corona Pandemic) હજુ ધીમે-ધીમે ઉગરી રહ્યો છે, ત્યારે ઓમીક્રોન વેરીઅન્ટ (Omicron) આવવાથી ફરી એક વાર કોરોનાની ત્રીજી લહેરના (Third Wave of Corona) એંધાણ મંડાણા છે. વર્ષ પુરુ થઈ રહ્યું છે, ત્યારે સમગ્ર દેશમાં ભયની લાગણી છે. તેમ છતા કોરોના સામે લડવા માટે આપણી પાસે વેક્સીનેશનનું હથીયાર છે એ રાહતની વાત છે.

આ વર્ષ દરમિયાન પણ કોરોનાએ કહેર વરસાવ્યો હતો. બીજી લહેરમાં સર્જાયેલા ભયંકર દ્રશ્યોથી સમગ્ર દેશ સ્તબ્ધ હતો. ગુજરાતમાં પણ ઠેર – ઠેર હોસ્પીટલના બેડની અને ઓકસિજનની અછત જોવા મળી હતી. સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં (Rajkot City) પણ બીજી લહેરમાં કેટલીક એવી ઘટનાઓ બની જેણે સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચ્યું હતું.

બીજી લહેરની તારાજી પછી વહીવટી તંત્રએ ભવિષ્યને લઈને જે તૈયારીઓ કરી એ પણ સરાહનીય હતી જેમ કે, વેક્સીનેશન માટે જાગૃતિ અભીયાન હોય કે ત્રીજી લહેરની તૈયારીના ભાગ રૂપે મુવેબલ હોસ્પીટલ હોય. આ દરેક વસ્તુઓએ સમગ્ર દેશનું ધ્યાન ખેચ્યું હતું.

કોરોનાની બીજી લહેરમાં લાગી હતી સ્મશાનોમાં લાઈનો… હોસ્પીટલમાં બેડની અછત

કોરોનાની બીજી લહેરમાં પરીસ્થીતી બેકાબુ બની હતી. હોસ્પીટલોમાં બેડની અછત જોવા મળી હતી. તેમજ સ્મશાનમાં એક ભઠ્ઠી ખાલી રહેતી ન હતી. કોરોનાનું સંક્રમણ ગામડાઓમાં પણ પહોચી ગયું હતું. વેન્ટીલેટર અને બાઈપેપની પણ તંગી જોવા મળી હતી. તબીબોએ પણ આ તંગીને પહોચી વળવા ખાસ નુસખાઓ અજમાવ્યા હતા.  ઓપરેશન થિયેટરમાં વાપરવામાં આવતા બેનઝ સર્કિટનો ઉપયોગ કરી દર્દીઓને પૂરતો ઓક્સિજન આપવામાં આવ્યો હતો.

રેમડેસિવિરની કાળાબજારીનું રેકેટ પકડાયું

રેમડેસિવિર ઈન્જેક્શન ત્યારે સંજીવની સમાન હતું. ગંભીર પરિસ્થીતીમાં આ ઈન્જેક્શનની ખૂબ જરૂર રહેતી ત્યારે રાજકોટમાં કોરોનાકાળ દરમિયાન ઈન્જેક્શનની કાળાબજારી કરનારા ઝડપાયા હતા. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે એક મહિલા સહિત પાંચ આરોપીની ધરપકડ કરી હતી.


આ આરોપીઓ આ ઈન્જેક્શનની કાળાબજારી કરતા હતા. લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને આરોપીઓ 4,800 રૂપિયાનું ઈન્જેક્શન 10 હજાર રૂપિયામાં વેચતા હતા. આ અંગેની જાણ થતાં જ ક્રાઈમ બ્રાન્ચે છટકું ગોઠવ્યું અને આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર મામલો બહાર આવતા ચકચાર મચી ગઈ હતી.


રસીકરણને લઈને પ્રવર્તી અંધશ્રદ્ધા તંત્ર માટે બન્યો મોટો પડકાર

ગામડાઓમાં તેમજ શહેરના કેટલાંક વિસ્તારોમાં અંધશ્રદ્ધા અને અફવાના કારણે ઘણા લોકો વૅક્સીન લેવાનો ઈન્કાર કરી રહ્યા હતા, તેમજ આરોગ્ય ટીમ સાથે ગેરવર્તનની ફરીયાદો પણ ઉઠી હતી. ત્યારે રાજ્યના તત્કાલીન આરોગ્ય પ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અફવા અને અંધશ્રદ્ધા ફેલાવનારાઓને કડક ચેતવણી આપી દીધી હતી.


નીતિન પટેલે કહ્યું હતું કે, કોઈ વૅક્સીન ન લેશો તેવો અપપ્રચાર કરશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમ છતાં પણ ક્યાંકને ક્યાંક જાગૃતિનો અભાવ જોવા મળતો હતો. ત્યારે રાજકોટ તંત્ર દ્વારા આરોગ્ય ટીમ સાથે એક અલગ ટીમ મોકલવાની શરૂઆત કરવામાં આવી અને તે ટીમે લોકોને અંધશ્રદ્ધા દુર કરવામાં મદદ કરી અને લોકોને રસી લેવા માટે જાગૃત કર્યા.


ડોર ટૂ ડોર વેક્સીનેશન અભીયાન

રાજકોટ મહાનગરપાલિકાએ ડૉર ટુ ડૉર કોરોના રસીકરણ અભિયાન હાથ ધર્યું હતું. જેમાં વરિષ્ઠ નાગરિક, સગર્ભા, દિવ્યાંગોને ઘરે જઈને રસીનો લાભ આપવા માટે આરોગ્ય વિભાગની 24 ટીમ કાર્યરત કરવામાં આવી હતી. આ ઉપરાંત જે વ્યકિત વેક્સીન લેવા માંગે છે તેણે મનપાના કોલ સેન્ટરમાં રજીસ્ટ્રેશન કરાવવાનું હતુ. જેની બાદ આરોગ્ય વિભાગની ટીમ ઘરે આવીને રસી આપતા હતા. તેમજ વૃદ્ધો, સગર્ભા કે દિવ્યાંગને સરળતાથી ઘરે રસી મળી શકી અને જોખમને ટાળી શક્યા.

આગમ ચેતી રૂપે તૈયાર કરાઈ ભારતની પ્રથમ મુવેબલ હોસ્પીટલ

એક નવીન ટેક્નોલોજીસાથે ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં જરૂર પડ્યે એકસાથે 100 બેડની વ્યવસ્થા કરી શકાય તેવી ઇન્ડો અમેરિકન ટેક્નોલોજીની મુવેબલ હોસ્પિટલની તૈયાર કરવામાં આવી છે. ગણતરીની મિનિટોમાં જ આઇ.સી.યુ.માં ઉપલબ્ધ હોય તેવી સુવિધા સાથે હોસ્પિટલનો જ રૂમ હોય તેવી આબેહૂબ વ્યવસ્થા ઉભી થઇ જાય તેવી ટેક્નોલોજીયુક્ત વ્યવસ્થા તૈયાર છે. ઇન્ડો અમેરિકન ટેકનોલોજીથી આ પ્રકારની એર ડોમ ટાઇપ મુવેબલ હોસ્પિટલની વ્યવસ્થા સમગ્ર ભારતમાં પ્રથમ રાજકોટમાં થઇ રહી છે તેમ કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યુ હતું.

વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો

Share:

0 Comments:

Post a Comment

Ads