તમિલનાડુમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતુ જેમાં સીડીએસ બિપિન રાવત સહિત 14 લોકો સવાર હતા. વાયુસેનાએ ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા, જેનો રિપોર્ટ આજે આવી શકે છે
તામિલનાડુમાં 8 ડિસેમ્બરે થયેલા હેલિકોપ્ટર દુર્ઘટના કેસ(Helicopter crash case)માં તપાસ ટીમ આજે કેન્દ્ર સરકારને તેનો ત્રિ-સેવા તપાસ અહેવાલ સુપરત કરી શકે છે. આ દુર્ઘટનામાં ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS જનરલ બિપિન રાવત(CDS General Bipin Rawat) તેમની પત્ની અને અન્ય 12 સૈનિકોના મોત થયા હતા. જે બાદ એરફોર્સે ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા. તપાસ ટીમનું નેતૃત્વ એર માર્શલ માનવેન્દ્ર સિંહ(Air Marshal Manvendra Singh) કરી રહ્યા છે અને તેમાં આર્મી અને નેવીના બે બ્રિગેડિયર રેન્કના અધિકારીઓનો સમાવેશ થાય છે.
સરકાર સાથે જોડાયેલા સૂત્રોએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, ‘તપાસ રિપોર્ટ 31 ડિસેમ્બર સુધીમાં સરકારને સુપરત કરવામાં આવે તેવી અપેક્ષા છે. અધિકારીઓએ જમીની સ્તરની તપાસ કર્યા બાદ વિગતવાર અહેવાલ તૈયાર કર્યો છે અને બ્લેક બોક્સમાંથી મળેલા ડેટાનું સંપૂર્ણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે.” સૂત્રોએ જણાવ્યું કે આ મામલે પ્રાથમિક તપાસમાં અકસ્માત અચાનક થયો હોવાનું જણાય છે. તપાસ માટે અસલ સાધન ઉત્પાદકોની પણ મદદ લેવામાં આવી હતી. ભારતીય વાયુસેનાએ એમ પણ કહ્યું હતું કે રિપોર્ટ સબમિટ કરવાનો બાકી છે.
જેમાં 14 લોકોના મોત થયા હતા
જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને 12 અન્ય સૈન્ય અધિકારીઓ Mi-17V5 હેલિકોપ્ટરમાં સવાર હતા, જે અકસ્માતનો ભોગ બન્યા હતા. આ તમામ લોકો વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ જઈ રહ્યા હતા, અહીં પહોંચવાની થોડી મિનિટો પહેલા જ હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. આ ઘટનાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો. સેનાના હેલિકોપ્ટરની ગુણવત્તા પર સવાલો ઉભા થયા છે. આ સાથે અકસ્માત અંગે અલગ-અલગ વાતો કહેવામાં આવી હતી.
બ્લેક બોક્સ મળી આવ્યું હતું
ઘટનાની તપાસના આદેશ આપ્યા બાદ બ્લેક બોક્સ મળી આવ્યું હતું. બ્લેક બોક્સને ફ્લાઈટ ડેટા રેકોર્ડર(Flight Data Recorder) પણ કહેવામાં આવે છે. જેમાંથી અનેક પ્રકારની મહત્વની માહિતી મેળવી શકાય છે. વાયુસેનાના વડા, એર ચીફ માર્શલ વીઆર ચૌધરી(Air Chief Marshal V R Chaudhary) હાલમાં દક્ષિણ કોરિયાની ચાર દિવસીય (26-30 ડિસેમ્બર) મુલાકાતે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આવી સ્થિતિમાં તેમના પરત આવ્યા બાદ સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે. એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે આજે રિપોર્ટ આવી શકે છે.
વધુ માહીતી માટે : અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment