Featured Post

Humana Medicaid Benefits: Navigating Healthcare with Confidence

  Introduction In the complex landscape of healthcare, understanding and accessing the right benefits can be a daunting task. Humana Medicai...

Subscribe Us

Sunday, 12 December 2021

બેલ બોટમ ફિલ્મ રિવ્યૂ 2021

 હાઈલાઈટ્સ:

* 'બેલ બોટમ'માં અક્ષય કુમાર રૉ એજન્ટના રોલમાં છે જ્યારે લારા દત્તાએ ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે.

* ફિલ્મમાં અક્ષય કુમારની પત્નીના રોલમાં જોવા મળેલી વાણી કપૂર ક્લાઈમેક્સમાં મોટો ટ્વિસ્ટ લઈને આવી છે.

* આઝાદીના 75 વર્ષની ખુશીમાં 3D ફોર્મેટમાં આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે.


એક્ટર- અક્ષય કુમાર, વાણી કપૂર, હુમા કુરેશી, લારા દત્તા, આદિલ હુસૈન
ડાયરેક્ટર- રંજીત તિવારી
શ્રેણી- એક્શન, થ્રિલર
ભાષા- હિન્દી
સમય- 2 કલાક 10 મિનિટ
રેટિંગ- 3.5/5

કોરોના કાળ દરમિયાન ભવ્ય અને મોટી સ્ટારકાસ્ટવાળી ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવી નાનીસૂની વાત નથી. થિયેટરમાં જઈને ફિલ્મો જોવાનું પસંદ કરતાં લોકો માટે ખુશીનો મોકો છે. કોરોનાની ભયાવહ બીજી લહેર બાદ થિયેટરમાં ફિલ્મ રિલીઝ કરવાની પહેલ નિર્દેશક રંજીત એમ તિવારી અને નિર્માતા વાશુ ભગનાની, જેકી ભગનાની, દીપશિખા દેશમુખની પૂજા એન્ટરટેઈનમેન્ટ અને નિખિલ અડવાણીની એમી એન્ટરટેઈનમેન્ટની ફિલ્મ 'બેલ બોટમ' દ્વારા થઈ છે. કોવિડના કપરા કાળમાં જાણીતા ફિલ્મ કલાકારોએ પોતાની ફિલ્મો દર્શકો સુધી પહોંચાડવા માટે OTT પ્લેટફોર્મનો સરળ માર્ગ પસંદ કર્યો છે ત્યારે 'બેલ બોટમ'ના નિર્માતાઓએ જે સાહસ કર્યું છે તે સરાહનીય છે. ખાસ કરીને મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યમાં હજી થિયેટરો ખુલ્યા નથી ત્યારે આ પગલું સાહસી ગણાય. સ્પષ્ટ છે કે, નિર્માતા-નિર્દેશકે સિનેમાઘરની ખોવાયેલી ચમક ફરી લાવવાનો ભાર અક્ષય કુમારના ખભે નાખ્યો છે અને તેણે આ જવાબદારી બખૂબી નિભાવી છે.

દેશભક્તિ દર્શાવતી આ ફિલ્મનું શૂટિંગ કોરોના કાળમાં જ થયું છે. આઝાદીના 75 વર્ષની ખુશીમાં 3D ફોર્મેટમાં આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે. ત્યારે થિયેટરમાં જઈને ફિલ્મો જોવા થનગની રહેલા લોકો માટે 'બેલ બોટમ' મનોરંજનનું પેકેજ સાબિત થશે.

વાર્તા

સત્ય ઘટનાઓથી પ્રેરિત આ ફિલ્મની વાર્તા એક રૉ એજન્ટની છે, જેને આપણે અનસંગ હીરો પણ કહી શકીએ છીએ. તેની બહાદુરી, સૂઝબૂઝ અને સાહસ દ્વારા હાઈજેક થયેલા પ્લેનના પેસેન્જરોને સલામત રાખવામાં સફળતા મળી સાથે જ હાઈજેક કરનારા આંતકીઓની પણ ધરપકડ થઈ શકી. ફિલ્મની પૃષ્ઠિભૂમિ 80ના દશકાની છે. એ વખતે દેશનાં વડાપ્રધાન ઈન્દિરા ગાંધી (આ ભૂમિકા લારા દત્તાએ ભજવી છે) હતા. આ એ સમયગાળો હતો જ્યારે દેશના એક પછી એક કેટલાય પ્લેન હાઈજેકિંગનો શિકાર થયા હતા. એર પ્લેન હાઈજેકિંગ બાદ પેસેન્જરોની મુક્તિના બદલામાં આતંકીઓ કરોડો રૂપિયા માગતા હતા. એટલું જ નહીં વાટાઘાટ દરમિયાન ભારતીય જેલમાં બંધ ખૂંખાર આતંકીઓને છોડવાની માગ થતી હતી અને તે માનવી પણ પડતી.

આવા જ એક હાઈજેકિંગમાં મલ્ટીટાસ્કિંગ અંશુલ મલ્હોત્રા (અક્ષય કુમાર) પોતાની મા (ડોલી આહલુવાલિયા)ને ગુમાવે છે અને આ જ પીડા તેને રૉ એજન્ટ બનવાની પ્રેરણા આપે છે. રાધિકા (વાણી કપૂર) સાથે લવ મેરેજ કરીને ખુશહાલ જિંદગી વિતાવી રહેલા અંશુલે ક્યારેય નહોતું વિચાર્યું કે તે રૉમાં જોડાઈને 'બેલ બોટમ' કોડનેમ ધારણ કરીને દેશની સુરક્ષાની જવાબદારી ઉઠાવશે તેમજ આ હાઈજેક્સ પાછળ પાકિસ્તાની ઈન્ટેલિજન્સ બ્યૂરો IASની ભૂમિકાનો પર્દાફાશ કરશે.

રિવ્યૂ

'લખનઉ સેન્ટ્રલ' ફેમ નિર્દેશક રંજીત એમ તિવારીને અક્ષય કુમારની તમામ ખૂબીઓનો અંદાજો હતો અને તેમણે પોતાની વાર્તામાં આ બધું જ સરસ રીતે પરોવ્યું છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ વાર્તા અને પાત્રોને ડેવલપ કરવાના ચક્કરમાં થોડો ધીમો લાગે છે પરંતુ સેકન્ડ હાફમાં વાર્તા થ્રિલર પર પકડ જમાવે છે. ફિલ્મના બીજા ભાગમાં ઘણાં ટ્વિસ્ટ એન્ડ ટર્ન છે જે દર્શકોને જકડી રાખે છે. 80ના દશકાને બતાવામાં ડાયરેક્ટર સફળ રહ્યા છે. અસીમ અરોરા અને પરવેઝ શેખના ચોટદાર ડાયલોગ્સ ફ્રંટ બેન્ચર્સને સીટી અને તાળીઓ વગાડવા પર મજબૂર કરી દેશે. ફિલ્મનું એડિટિંગ સેકન્ડ હાફમાં ચુસ્ત છે. બેકગ્રાઉન્ડ સ્કોર અને કાસ્ટિંગ ફિલ્મનો પ્લસ પોઈન્ટ છે. ફિલ્મમાં તનિષ્ક બાગચી, અરમાન મલિક અને ગુરુમાજર સિંહે સંગીત આપ્યું છે. પરંતુ 'સખિયાં' ગીત સિવાય કોઈ બીજું ગીત મોંઢે ચડે એવું નથી. આ પ્રકારની એક્શન-થ્રિલર ફિલ્મમાં સંગીત મજબૂત હોય તો ચાર ચાંદ લાગી જાય છે.

અક્ષય કુમાર ફરી એકવાર પોતાના હીરોઈક અંદાજમાં જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી અક્ષય કુમાર દેશભક્તિની ફિલ્મો કરી રહ્યો છે અને દેશભક્ત ઓફિસરના રોલમાં જોવા મળે છે. અક્ષય આ પ્રકારની દેશભક્તિવાળી ફિલ્મોનો પોસ્ટર બોય બની ગયો છે. આવા પાત્રોમાં હવે તે સહજ થઈ ગયો છે પરંતુ આ વખતે અંશુલ મલ્હોત્રા ઉર્ફે બેલ બોટમના પાત્રને તેણે વિશિષ્ટ અંદાજમાં રજૂ કર્યું છે. પડદા પર રૉ એજન્ટના રોલમાં અક્ષય કુમારને જોવો રોમાંચક અનુભવ બની રહે છે. વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં લારા દત્તા સરપ્રાઈઝ પેકેજ સાબિત થાય છે. પ્રોસ્થેટિક મેકઅપ અને એક્ટિંગ સ્કીલ પાત્રને યાદગાર બનાવી દે છે. વાણી કપૂરે પણ અભિનયથી પોતાની હાજરીની નોંધ લેવડાવે છે અને ફિલ્મના ક્લાઈમેક્સમાં તેની સાથે જોડાયેલો ટ્વિસ્ટ દંગ કરનારો છે. હુમા કુરેશીને ફિલ્મમાં વધુ સ્ક્રીન સ્પેસ નથી મળી છતાં તે છાપ છોડી જાય છે. અભિનેતા આદિલ હુસૈને હંમેશાની જેમ પોતાના અભિનયથી ફિલ્મને સમૃદ્ધ કરી છે. એક્ટર ઝૈન ખાને આંતકવાદીના રોલ સાથે ન્યાય કર્યો છે. ફિલ્મની સહયોગી કાસ્ટ વાર્તાને બળ આપે છે.

ફિલ્મ કેમ જોવી?

કોરોના કાળના કારણે ગમગીન થયેલા મનને અક્ષય કુમારના લીડ રોલવાળી આ ફિલ્મ નવી ઊર્જા પૂરી પાડશે. દેશભક્તિના રસમાં ડૂબેલી ફિલ્મ જોવાલાયક છે.

Share:

0 Comments:

Post a Comment

Ads